Trust img
Select City
સ્પર્મ કાઉન્ટ વધારવા માટે શું ખાવું?

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે શું ખાવું?

doctor image
Dr. Prachi Benara

MBBS (Gold Medalist), MS (OBG), DNB (OBG), PG Diploma in Reproductive and Sexual health

16 Years of experience
Google
Add as a preferred
source on Google

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે શું ખાવું, એવો સવાલ ગર્ભધારણનું આયોજન કરતા ઘણા પુરુષોને થાય છે. રોજની થાળીની સીધી અસર શુક્રાણુની સંખ્યા, ગતિ અને આકાર પર પડે છે. એટલે ખોરાક પર ધ્યાન આપવું એ પહેલું પગલું ગણાય.

આ લેખમાં સ્પર્મ કાઉન્ટ વધારતા ખોરાક વિશે સરળ ભાષામાં વાત કરી છે. કયા ફળ, સૂકા મેવા અને ડેરી ઉત્પાદનો કામના છે તે જાણવા મળશે. શું ટાળવું અને પરિણામ દેખાતાં કેટલો સમય લાગે, તે પણ સમજાવ્યું છે.

કયા ખોરાકથી વીર્યનું ઉત્પાદન વધે છે?

વીર્યનું ઉત્પાદન વધારવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર જોઈએ. શરીરને પ્રોટીન, ઝિંક, ફોલેટ અને એન્ટીઑક્સિડન્ટ નિયમિત મળે તો શુક્રાણુ બનવાની પ્રક્રિયા સારી ચાલે છે. આ બધાં તત્ત્વો લીલાં શાકભાજી, ઈંડા, કઠોળ, માછલી, ફળો અને સૂકા મેવામાંથી સહેલાઈથી મળી રહે છે.

કોઈ એક ખોરાક જાદુની જેમ કામ કરતો નથી. ફરક ત્યારે દેખાય છે જ્યારે આવું ભોજન રોજ અને લાંબા સમય સુધી લેવાય. વધુ જાણવા માટે પ્રજનન ક્ષમતા વધારતા ટોચના ખોરાક વિશેનો લેખ વાંચી શકાય.

શુક્રાણુ અને વીર્ય વચ્ચે શું તફાવત છે?

ઘણા લોકો શુક્રાણુ અને વીર્યને એક જ ગણે છે, પણ બંને અલગ છે. આ તફાવત સમજાય તો સ્પર્મ કાઉન્ટની વાત સરળ બને છે.

  • શુક્રાણુ: પુરુષનો પ્રજનન કોષ, જે અંડકોષમાં બને છે. ગર્ભ રહેવા માટે તેણે સ્ત્રીના ઈંડા સુધી પહોંચવું પડે છે.
  • વીર્ય: સફેદ રંગનું પ્રવાહી, જેમાં શુક્રાણુ તરતા હોય છે. તે શુક્રાણુને પોષણ આપે છે અને આગળ વધવામાં મદદ કરે છે.

એટલે વીર્યનું પ્રમાણ સારું હોય તો પણ શુક્રાણુ ઓછા હોઈ શકે. ગર્ભ રહેવા માટે સંખ્યા ઉપરાંત શુક્રાણુની ગતિ અને આકાર પણ જોવાય છે. શુક્રાણુનું આયુષ્ય કેટલું હોય છે તે જાણવાથી ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે.

વીર્ય ઓછું થવાના કારણો શું છે?

વીર્ય ઘટવા પાછળ એક નહીં, ઘણાં કારણો કામ કરતાં હોય છે. રોજિંદી ટેવો અને શરીરની કેટલીક સ્થિતિ, બંનેની અસર પડે છે. સ્પર્મ કાઉન્ટ ઘટે ત્યારે આ કારણો તપાસવાં ઉપયોગી બને છે.

  • ખોટું ખાવાપીવું
  • ધૂમ્રપાન અને વધારે પડતો દારૂ
  • વધેલું વજન
  • સતત તણાવ અને પૂરતી ઊંઘનો અભાવ
  • હોર્મોનમાં ગડબડ
  • વેરિકોસીલ અથવા ચેપ
  • અંડકોષ પાસે સતત રહેતી ગરમી
  • કેટલીક દવાઓ

ધૂમ્રપાનની પ્રજનન ક્ષમતા પર અસર અને સ્થૂળતાની અસર વિશે વિગતવાર વાંચવું સારું રહેશે.

કયા ખાદ્ય પદાર્થો કુદરતી રીતે વીર્ય વધારે છે?

કુદરતી રીતે સ્પર્મ કાઉન્ટ વધારવા માટે રોજના ભોજનમાં કેટલીક વસ્તુઓ ઉમેરી શકાય. તેમાંની મોટા ભાગની વસ્તુઓ ઘરના રસોડામાં જ હોય છે. નીચે દરેકનો ફાયદો ટૂંકમાં આપ્યો છે.

  • ઈંડા, માછલી અને ચિકન: પ્રોટીન અને વિટામિન B12 મળે છે.
  • પાલક, મેથી જેવાં લીલાં શાકભાજી: ફોલેટનો સારો સ્ત્રોત છે.
  • ટામેટા: તેમાં લાઇકોપીન હોય છે, જે શુક્રાણુની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.
  • લસણ: રક્ત પરિભ્રમણ જાળવવામાં સહાયક ગણાય છે.
  • આખા અનાજ: ઊર્જા અને ફાઇબર આપે છે.

વધુ માહિતી માટે વીર્ય વધારવાના ઉપાયો પણ વાંચી શકાય.

કયા ફળો વીર્યનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે?

ફળો શરીરને વિટામિન અને એન્ટીઑક્સિડન્ટ આપે છે. તે શુક્રાણુને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. એટલે સ્પર્મ કાઉન્ટ સુધારવા માટે ફળો ઉપયોગી ગણાય.

દાડમ, નારંગી, જામફળ, પપૈયું, તરબૂચ, બેરી અને એવોકાડો સારા વિકલ્પો છે. નારંગી અને જામફળમાં વિટામિન C ભરપૂર હોય છે. કેળાંમાં વિટામિન B6 મળે છે, જે પ્રજનન સ્વાસ્થ્ય માટે સારું ગણાય. રોજ તાજાં મોસમી ફળ ખાવાની ટેવ પાડવી જોઈએ.

વીર્યના પ્રમાણ માટે કયા સૂકા મેવા શ્રેષ્ઠ છે?

સૂકા મેવામાં સારી ચરબી, ઝિંક અને વિટામિન E હોય છે. આ તત્ત્વો શુક્રાણુની તંદુરસ્તી માટે કામના છે. બધા મેવા સરખા ગુણવાળા નથી, એટલે થોડી વિવિધતા રાખવી સારી.

અખરોટ, બદામ, કાજુ, ખજૂર, કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ સારા વિકલ્પ છે. અખરોટમાં ઓમેગા-3 હોય છે, જે શુક્રાણુની ગતિ અને આકાર સુધારવામાં મદદ કરે છે. કોળાના બીજમાં ઝિંક ભરપૂર મળે છે. રોજ એક નાની મુઠ્ઠી મેવા પૂરતા છે. વધુ ખાવાથી કેલરી વધી શકે છે.

શું ડેરી ઉત્પાદનો વીર્ય વધારવામાં મદદ કરે છે?

દૂધ, દહીં, છાશ અને પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન D અને વિટામિન B12 હોય છે. આ તત્ત્વો પ્રજનન સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જોકે ડેરી સીધું વીર્ય વધારે છે, એવો પાકો પુરાવો નથી. એટલે સંતુલિત માત્રામાં અને વધુ પડતી ચરબી વગરના ડેરી ઉત્પાદનો પસંદ કરવા સારા.

શું વીર્ય ઉત્પાદન માટે પ્રોટીન જરૂરી છે?

હા, પ્રોટીન જરૂરી છે. શુક્રાણુ કોષો બનાવવા માટે શરીરને પ્રોટીનની જરૂર પડે છે. સ્પર્મ કાઉન્ટ વધારવાના પ્રયત્નમાં પ્રોટીનને અવગણી શકાય નહીં.

દાળ, ચણા, રાજમા, સોયા, ઈંડા, માછલી અને ચિકન પ્રોટીનના સારા સ્ત્રોત છે. શાકાહારીઓ કઠોળ, પનીર અને સૂકા મેવા દ્વારા પ્રોટીન મેળવી શકે છે. પ્રોસેસ્ડ માંસ ટાળીને કુદરતી સ્ત્રોતો પસંદ કરવા.

વીર્ય સ્વાસ્થ્ય માટે કયા વિટામિન અને ખનિજ જરૂરી છે?

શુક્રાણુ બનવાની પ્રક્રિયામાં કેટલાંક વિટામિન અને ખનિજ મહત્ત્વનાં છે. દરેકની ભૂમિકા જુદી હોય છે. સંતુલિત આહાર લેનારને મોટા ભાગે આ બધું ખોરાકમાંથી મળી જાય છે.

  • ઝિંક: શુક્રાણુ બનવાની પ્રક્રિયામાં મદદ કરે છે.
  • ફોલિક એસિડ: શુક્રાણુના વિકાસમાં ઉપયોગી છે.
  • સેલેનિયમ: શુક્રાણુને નુકસાનથી બચાવે છે.
  • વિટામિન C અને E: શુક્રાણુના ડીએનએને રક્ષણ આપે છે.
  • વિટામિન B12 અને D: પ્રજનન સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.

સપ્લિમેન્ટ ડૉક્ટરની સલાહ વગર ન લેવાં. શુક્રાણુ વધારવાની દવાઓ વિશેની માહિતી પણ જોઈ શકાય.

વીર્ય સ્વાસ્થ્ય સુધારવા માટે શું ટાળવું જોઈએ?

કેટલીક ટેવો અને ખોરાક સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે. તેમને ટાળવાથી સારા આહારનો ફાયદો વધુ મળે છે.

  • તમાકુ અને દારૂ
  • વધુ પડતું કેફીન
  • જંક ફૂડ અને તળેલો ખોરાક
  • ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ માંસ

સ્ટેરોઇડ શુક્રાણુ ઘટાડી શકે છે, તેની વિગત સ્ટેરોઇડની પ્રજનન ક્ષમતા પર અસર લેખમાં મળશે. ખોળામાં લાંબો સમય લેપટોપ રાખવું અને ખૂબ ગરમ પાણીથી લાંબું સ્નાન કરવું પણ ટાળવું.

આહાર દ્વારા વીર્ય ગણતરી વધારવામાં કેટલો સમય લાગે છે?

આહારની અસર રાતોરાત દેખાતી નથી. શુક્રાણુ બનવાની પ્રક્રિયામાં લગભગ ત્રણ મહિના લાગે છે. તેથી ખોરાક અને જીવનશૈલીમાં સુધારાનું પરિણામ સામાન્ય રીતે બેથી ત્રણ મહિનામાં દેખાય છે.

ત્રણથી છ મહિના પછી વીર્ય પરીક્ષણ કરાવવું સારું. સ્પર્મ કાઉન્ટમાં સુધારો ન દેખાય તો પ્રજનન નિષ્ણાતની સલાહ લેવી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  • વીર્ય એટલે શું?

વીર્ય પુરુષના પ્રજનન અંગોમાંથી નીકળતું પ્રવાહી છે. તેમાં શુક્રાણુ અને પોષક પ્રવાહી હોય છે. આ પ્રવાહી શુક્રાણુને જીવંત રાખે છે અને આગળ વધવામાં મદદ કરે છે. સ્પર્મ કાઉન્ટ એટલે આ પ્રવાહીમાં રહેલા શુક્રાણુની સંખ્યા.

  • વીર્ય કેવી રીતે વધારવું?

સંતુલિત આહાર સૌથી મહત્ત્વનો છે. સાથે નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને તણાવ પર નિયંત્રણ રાખવું. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવાથી પણ સ્પર્મ કાઉન્ટ સુધારવામાં મદદ મળે છે.

  • સ્વસ્થ વીર્યનો રંગ કેવો હોય છે?

સ્વસ્થ વીર્ય સામાન્ય રીતે સફેદથી આછા રાખોડી રંગનું હોય છે. પીળો, લીલો, ભૂરો કે લાલ રંગ ચેપ અથવા લોહીનો સંકેત હોઈ શકે. આવું દેખાય તો ડૉક્ટરને બતાવવું.

  • શું વીર્યમાં ગંધ આવવી સામાન્ય છે?

હા, હળવી ગંધ સામાન્ય છે. તીવ્ર દુર્ગંધ ચેપનો સંકેત હોઈ શકે છે. ચેપ સ્પર્મ કાઉન્ટ અને શુક્રાણુની ગુણવત્તા પર અસર કરી શકે, એટલે આવું લાગે તો ડૉક્ટરની સલાહ લેવી.

  • સ્ખલન દરમિયાન કેટલું વીર્ય નીકળે છે?

સામાન્ય રીતે એક વારમાં લગભગ 1.5 થી 5 મિલી વીર્ય નીકળે છે. પ્રમાણ દરેક વ્યક્તિમાં થોડું જુદું હોય છે. સતત ઘણું ઓછું લાગે તો વીર્ય પરીક્ષણ કરાવવું સારું.

  • શું વીર્યની ગુણવત્તા સુધારી શકાય?

હા, સુધારી શકાય. યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફારથી શુક્રાણુની ગુણવત્તા સુધરી શકે છે. કારણ જુદું હોય તો તબીબી સારવારની જરૂર પડી શકે.

  • શું વીર્યની ઘટ્ટતા અલગ-અલગ હોઈ શકે?

હા. સ્ખલન પછી વીર્ય શરૂઆતમાં ઘટ્ટ હોય છે અને થોડી મિનિટોમાં પાતળું થઈ જાય છે. ખૂબ ગઠ્ઠાવાળું કે સતત પાણી જેવું લાગે તો ડૉક્ટરની સલાહ લેવી.

To know more

Birla Fertility & IVF aims at transforming the future of fertility globally, through outstanding clinical outcomes, research, innovation and compassionate care.

Need Help?

Talk to our fertility experts

Had an IVF Failure?

Talk to our fertility experts